ઝેન મિરેકલ

કહેવાય છે કે,…..

માણસના ન હોવાની દહેશત તેના પ્રત્યેની આપણી લાગણી વધારી દે છે, અને માણસના ચાલ્યા ગયા પછી જ એનુ મહત્વ સમજાય છે, આટલી અમથી વાત સમજવામા ક્યારેક બહુ લાંબો સમય લાગી જાય છે. આજે 3 મહીના અને 6 દિવસના લાંબા સમય પછી પોસ્ટ લખી રહી તેનુ કારણ પણ કાંઈક આવુ જ છે.

ક્યારેક ક્યારેક ઇશ્વર પોતાની ઉપસ્થિતિનો પુરાવો આપણને ન ગમે તે રીતે પણ આપતો હોય છે.

હશે ! ! !

તો મીત્રો,

જેમ હમણા કહ્યુ એમ કે, માણસના ચાલ્યા ગયા પછી જ એનુ મહત્વ વધારે જણાય છે, એમ જ આપણે જે શ્વાસ લઇ રહ્યા છીએ તેના ગયા પછી જ આપણને તેનુ મુલ્ય જણાય છે અને ત્યારે ખુબ મોડુ થઈ ગયુ હોય છે. આજ વાત ડો. બ્રેંડા શોષાન તેમના પુસ્તક  “ઝેન મીરેકલ” દ્વારા  આપણને ઉંડાણથી સમઝાવે છે.

આ જ છે આજની ચર્ચનો વિષય

“ઝેન મિરેકલ”


“ ઉન્મત્ત મનમાં શાંતીની ખોજ ”

“ ઉન્મત્ત મનમાં શાંતીની ખોજ ”

મીત્રો, આજે આપણે ઝેન ફિલૉસફીના અભ્યાસ અને જીવનમા તેના ઉપયોગ વિશે વાત કરીશુ.

તો હવે આપણે જોઇશુ કે ઝેન ફિલૉસફીમા ધ્યાન કેવી રીતે કરવામા આવે છે.

સૌ પ્રથમ જાણીશુ કે “ઝાઝેન”   શું છે અને તે કેવી રીતે કરવામા આવે છે?

“ઝાઝેન” એટલે કે ધ્યાનની ક્રીયા.

ઝેન અભ્યાસમા કહેવાય છે કે સૌથી ઉત્તમ સુચન એ છે કે, કોઇ સુચન નહી. આ માન્યતા આપણને કોઇ અન્ય પર આધારીત રહેવાની વ્રુત્તી છોડવા પર દબાણ કરશે. સ્વયંમને શોધવાની અને આપણા પગ પર ઉભા રહેવાની શીખ આપશે.

ઝેનમા ધ્યાન કરવાના સ્થળને જાપેનીઝ ભાષામા “ઝેનડુ” કહેવામા આવે છે. જેનો સરળ અર્થ થાય છે : મેડીટેશન હોલ (ધ્યાનનુ સ્થળ)

જો આપણે ઝેનડુમાં જઇ શકીએ તો સૌથી ઉત્તમ છે, અને તેમ ન કરી શકીએ તો આ અભ્યાસ આપણે ઘરે બેસીને પણ કરી શકીશુ. તે માટે આપણે અમુક બાબતોને ધ્યાનમા લેવી પડશે. સૌ પ્રથમ આપણા ઘરના તે સ્થાનને સ્વચ્છ કરી દેઇશુ, ત્યાથી વધારાનો સામાન અને અસ્તવ્યસ્તતા દુર કરી દેઇશુ.

સ્વચ્છતા, સુઘડતા અને ખાલીપા સાથે આપણા મનને સીધો સબંધ છે. ઘરના જે ઓરડામા આપણે દિવસનો અને જીવનનો ઘણો સમય વિતાવીએ છીએ, તે ઓરડાની અમુક બાબત પર આપણુ ધ્યાન ક્યારેય ગયુ છે ખરૂ?

ઓરડામા ટીવી ગોઠવવા માટે બનાવેલ ટીવી કેબીનેટ, દિવાલના ગોખલામા બનાવેલ શોકેસ અને તેમા ગોઠવેલી વસ્તુઓ. ઓરડાની એક દિવાલ પર ટીંગાડેલો પત્નીના હાથે બનાવેલ ચાકડો, બીજી દિવાલ પર પુત્રીએ સર્જેલ ચીત્રકળાનો નમુનો,  કુદરતી દ્રશ્યનુ ચીત્ર, માતાજીનુ કેલેન્ડર, સુવાક્યોની તક્તિ, સ્વર્ગસ્થ વડિલોના ફૉટા વગેરે, વગેરે……

આવી કેટલીય ચીજોથી ભરેલો ઓરડો જ્યારે દિવાળીમા સફાઇ માટે ખાલી કરાય છે, ત્યારે  કેટલો નવિન અને રૂચીકર લાગે છે!!! આ ખાલીપો ક્ષણભર માટે મનને ગમે છે અને અંતે ફરીથી એને વસ્તુઓથી ભરી દેવામા આવે છે. ક્યારેય વિચાર્યુ છે કેમ આમ થાય છે?

કારણ એ છે કે આપણે મનની સાથે સાથે દ્રષ્ટીથી પણ વીચારીએ છીએ. દ્રષ્ટી સમક્ષ આવતી દરેક ચીજ સાથે અનેક વિષય અને અનેક વિચાર જોડાયેલ હોય છે. આ ચીજ વસ્તુઓમા ફરતી નજર તેના વિષયો અને વિચારોમા અટવાતી જતી હોય છે. જ્યારે ખાલીપો આપણા મનમા એક પ્રકારની શુન્યતા ઉભી કરે છે.

સત્ય એ છે કે આ જ ખાલીપણામા સ્વયંમની અને પરમતત્વની ખોજ થાય છે. આપણે આ ખાલીપો સમજી શકતા નથી, તેને ડામવા ચીજોનો ખડકલો કરી દઇએ છીએ, અને ખાલીપાથી એટલેકે સ્વયંમથી મુખ ફેરવી લઇએ છીએ.

અહી કહેવાનો અર્થ એ નથી કે ઘરનુ રાચરચીલુ ફેંકી દઇને ચાર દિવાલોમા જીવવુ. પરંતુ કહેવાનો અર્થ છે કે આપણી આસપાસનુ વાતાવરણ આપણા ધ્યાન પર અસર કરે છે, અને આપણુ ધ્યાન આપણા વાતાવરણ પર અસર કરે છે. જ્યારે આપણે આપણા ભૌતિક જગતમા ખાલીપાનુ સર્જન કરીએ છીએ, ત્યારે આપણુ આંતરિક જગત પણ તેની સાથે ખુલતુ જાય છે. ધ્યાન માટે આપણે બાહ્ય જગતમા જેટલી ખાલી જગ્યાનુ સર્જન કરીશુ તેટલુ જ આપણુ આંતરીક  વિશ્વ વિશાળ બનતુ જાય છે.

તો સૌ પ્રથમ આપણા ઘરના તે સ્થાનને સ્વચ્છ કરી દઇશુ, ત્યાથી વધારાનો સામાન અને અસ્તવ્યસ્તતા દુર કરી દઇશુ …

ત્યાર બાદ ધ્યાનમા બેસવા માટે કુશન (સપાટ ઓશીકુ) ની સગવડ કરીશુ.  ઝેન સેન્ટરમા મોટા ચોરસ કુશન હોય છે. (ઘરે કોઇ પણ આરામદાયક કુશનથી શરુઆત કરી શકાશે, જો તમે કુશન પર બેસવા સક્ષમ ન હોવ તો, પીઠને સીધી રાખે તેવી ખુર્શીનો ઉપયોગ કરી શકો છો.) ઘણા લોકો આ સાથે એક નાની ઘંટડી રાખવી પસંદ કરે છે જેનો રણકાર ધ્યાન ની શરૂઆત અને અંત દર્શાવતુ ચીહ્ન બને છે. સાથે અગરબત્તી અને મીણબત્તી પણ ઘણા લોકો રાખે છે, જે ધ્યાનની ક્રીયાને વધુ રસપ્રદ બનાવે.  તાજા પુષ્પો અને પાણી પણ રાખી શકાય છે. માત્ર એ ખ્યાલ રાખવાનો છે કે આ સઘળી વસ્તુઓ ધ્યાનમા સહયોગ પુરો પાડે, ના કે ધ્યાનમા વિક્ષપ કરે.

કહેવાય છે,  કે…

મૌન એ ઉપચારની શરૂઆત છે. ઝેનડુ એ એક એવુ સ્થળ છે જે મૌનને (ધ્યાનને) સમર્પીત કરાયેલ છે. જ્યારે આપણે ઝેનડુમા પ્રવેશ કરીએ છીએ, એટલે કે આપણે ધ્યાન કરવાના સ્થળમા પ્રવેશીએ છીએ આપણે મૌન થઇ જઇએ છીએ. આ સમયે આપણે આપણી સામાજીક પ્રતીષ્ઠા અને મોભાને દરવાજાની બહાર છોડીને આવીએ છીએ, અને તેથી  તે અંગેના આપણા સઘળા માનસીક વાર્તાલાપ શાંત થઇ જાય છે. આ એ સમય હોય છે જ્યારે આપણે સંપુર્ણ પણે સ્વયંમને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે આપણે મૌન હોઇએ છીએ ત્યારે અન્ય લોકો સાથેનો વાર્તાલાપ કાઇક અલગ રીતે રજુ થાય છે. આપણે મૌન દ્વારા કઇક અલગ રીતે જ બોલીએ છીએ,

ધ્યાનમા બેસવા માટે જે સ્થળ તૈયાર કર્યુ છે, તેમા પ્રવેશતા પુર્વે આપણે આપણા પગરખા ઉતારી તેને યોગ્ય જગ્યાએ ગોઠવી દઇશુ. આમ કરવાથી તે સ્થળની ચોખ્ખાઇ અને વ્યવસ્થા જળવાઇ રહે છે. તેની પાછળનો એક ઉદ્દેશ આપણે આગળ જોઇ ગયા કે સ્વચ્છતા, સુઘડતા અને ખાલીપા સાથે આપણા મનને સીધો સબંધ છે.

અને

અન્ય એક કારણ એ છે કે મોટાભાગે આપણે ક્યારેય આપણા પગ તરફ ધ્યાન નથી દેતા. તે હંમેશા પગરખા અને મોજાથી ઢંકાયેલ રહે છે. જ્યારે આપણે આ આવરણોને દુર કરીશુ તો આપણને ખ્યાલ આવશે કે આપણા પગ એ આપણા શરીરના સૌથી નાજુક અંગ છે. શરીરની નસોના અંત ભાગથી તે બનેલા છે, તે આપણને જે ધરતી પર આપણે ચાલીએ છીએ તેની સાથે તો જોડે જ છે, સાથે સાથે આપણી અંદર શુ ચાલી રહ્યુ છે તેની સાથે પણ જોડે છે. એક્યુપ્રેશર જે ઇલાજની એક પધ્ધતી છે તેમા જણાવ્યા મુજબ આપણા શરીરના દરેક અંગો સાથે જોડાણ ધરાવતી માંસપેશીઓના અંત ભાગ આપણા પગમા આવેલ છે. આપણા પગ ઘણી માહીતી અને જ્ઞાન મેળવવા સક્ષમ છે જે આપણે અન્ય કોઇ રીતે મેળવી શકીએ તેમ નથી.

મહત્વનુ છે કે આપણા પગ અત્યંત કિંમતી છે. આપણે આપણા પગને માન સન્માન આપવુ જોઇએ, અને તેના મહત્વને ધ્યાનમા રાખીને તેનો ઉપયોગ કરવો જોઇએ. તે જે આપણને શીખવવા માંગે છે તે તરફ આપણે બેધ્યાન ન રહેવુ જોઇએ. જ્યારે સુંવાળી ધરતી પર, લીલા ઘાંસ પર, ભીની માટી પર પગ મુકીએ ત્યારે પગની નસો દ્વારા મનને કેવો અહલાદક અનુભવ થયાનો સંદેશો મોકલવામા આવે છે ! આપણે તે તરફ ધ્યાન લઇ જઇને તે ક્ષણને માણવાને બદલે આ જ પગ દ્વારા દોડવાની ઉતાવળમા હોઇએ છીએ.  ઝેન અભ્યાસ પણ તે જ શીખ આપે છે કે આપણે કોઇ પણ બાબત પ્રત્યે બેધ્યાન ન રહેવુ જોઇએ.

ધ્યાનની શરૂઆત કરવા માટે આપણે નજર જમીન ઉપર રાખીને, આપણા દરેક કદમ પર ધ્યાન કેન્દ્રીત કરતા, ધીમા ડગલે ચાલતા ચાલતા, પગના તળીયે રહેલી જમીનને અનુભવતા આપણી બેઠક તરફ જઇશુ અને આપણી બેઠક ગ્રહણ કરીશુ. આ પ્રકારે જે માત્ર ચાલવાની ક્રીયા છે, એ પણ એક પ્રકારનુ ધ્યાન જ છે જેને “કીનહીન” કહે છે.

“કીનહીન” એ પાંચથી પંદર મીનીટનુ કે તેથી વધુ હોઇ શકે છે. “કીનહીન” ધ્યાનમા આપણે એક પછી એક ડગલે, અદબ વાળીને, આપણી પીઠ ટટ્ટાર રાખીને, નજર નીચે રાખીને, આપણુ સંપુર્ણ ધ્યાન આપણા શ્વાસ પર રાખીને ધીમે ધીમે ચાલવાનુ હોય છે. આપણે કશે પહોચવાનુ નથી, આપણે ત્યાજ રહેવાનુ છે જ્યા આપણે છીએ. દરેક કદમ કીંમતી અને અમુલ્ય છે. જેમ જેમ આપણે ચાલીએ છીએ તેમ તેમ એક વાત આપણા મનમા ચોક્કસ થતી જાય છે કે “ આ ચોક્કસ ડગલુ જે આપણે ભરી રહ્યા છીએ તે ફરી આવશે નહી”

ઝેન અભ્યાસમા આપણે ઘણી વાર અદબવાળીએ છીએ, જેને “ગાશો” કહેવામા આવે છે. આ પ્રક્રીયામા આપણા શરીરના સઘળા અંશોને આપણે એકબીજા સાથે જોડી દઇએ છીએ. ડાબા ને જમણા સાથે, સારાને ખરાબ સાથે, કઠોરને કોમળ સાથે, દ્વૈતવાદવાળા વિરોધાભાસવાળા વિશ્વને એકસુત્ર કરીએ છીએ. અદબ વાળવાની ક્રીયા એ આભાર અને માન અભિવ્યક્ત કરવાની પણ ક્રીયા છે. આ  કૃતજ્ઞતાનો ભાવ આવે છે ત્યારે નજર સામે આવતા દરેક દ્રશ્ય નવિન લાગે છે.

હવે આપણે આપણી બેઠક ગ્રહણ કરીશુ. આપણે કુશન (અથવા ખુર્શી) ઉપર બેસી જઇશુ. આપણી પીઠ સીધ્ધી અને ગરદન ટટ્ટાર રાખીશુ, ખુલ્લી આંખે જ નીચે તરફ જોવાનો પ્રયત્ન કરીશુ. આંખો એ કારણથી ખુલ્લી રખાય છે કે આપણે નિંદ્રાવશ ન થઇ જઇએ કે સ્વપ્નોમા ખોવાઇ ન જઇએ. ઝેન અભ્યાસ, જાગવાનો અભ્યાસ છે. ઝેન અભ્યાસ એ જાણવાનો અભ્યાસ છે, કે ક્યારે આપણે આભાસી દુનિયામા હોઇએ છીએ અને ક્યારે આપણે વાસ્તવિક જગતમાં હોઇએ છીએ.

ધ્યાનમા શારીરિક અવસ્થા ઘણુ મહત્વ ધરાવે છે.

કોઇ ચીજ પર આધારીત ન રહેવુ.

આ અભ્યાસમા આપણે શીખીશુ કે કોઇનો સહારો લીધા વગર જ આપણી પોતાની શક્તિ પર જ વિશ્વાસ કેવી રીતે રાખવો. જેમ જેમ આપણે અભ્યાસ દરમ્યાન કોઇ ચીજ નો સહારો લીધા વગર આપણી શારીરિક અવસ્થા જાળવી રાખીશુ, તેમ તેમ આપણે  જીવનના અન્ય ક્ષેત્રોમા પણ અન્ય પર આધાર રાખવાનુ અને અસ્થિરપણુ છોડી દઇશુ. આપણે એ માંગણી કરવાનુ છોડી દઇશુ કે અન્ય લોકો આપણી સંભાળ લે, આપણે લોકોને એ જતાવવાનુ છોડી દઇશુ કે આપણે એટલા નબળા છીએ કે આપણા પોતાના જીવનની સંભાળ લઇ શકતા નથી. ઝેન અભ્યાસમા સૌથી મહત્વનો નો મુદ્દો છે તમારી પોતાની કુદરતી શક્તિને પીછાણવી.

એક વખત ધ્યાન શરૂ થયા બાદ તે પુરૂ ન થાય ત્યા સુધી સ્થીરતા જાળવી રાખીશુ. ધ્યાન ઇચ્છા મુજબ લાંબુ કે ટૂંકા સમયનુ હોઇ શકે છે. શરૂઆતના તબક્કે 5-10-15 મીનીટનો સમય યોગ્ય રહેશે. આપણે સ્વયંમને યોગ્ય લાગે તેટલો સમય ધ્યાન કરીશુ, મહત્વની વાત એ છે કે તેમા નિયમીતતા જળવાય. ત્યાર બાદ અભ્યાસ તેની જાતે જ થતો જશે.

ધ્યાન દરમ્યાન સ્થીરતા જાળવી રાખવી એ ખુબ મહત્વનુ છે. મોટાભાગે જે ક્ષણે આપણે તકલીફ કે તાણ અનુભવીએ છીએ ત્યારે આપણે હલન ચલન કરીને એ તકલીફ કે તાણને દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ. સ્થીરતા જાળવી રાખવાના પ્રયત્નથી આપણે આપણી આદત મુજબની પ્રતિક્રિયાઓ છોડીને, સ્વયંમને જે બની રહ્યુ છે તેને સ્વીકારવા તૈયાર કરીએ છીએ.

જ્યારે ધ્યાન દરમ્યાન વિચારો આવે ત્યારે તેને દબાવવાના કે ધીક્કારવાના નથી, માત્ર એ શું છે તે તરફ ધ્યાન લઇ જવાનુ છે અને તરત શ્વાસની ક્રીયા પર પરત ફરવાનુ છે. વિચારો આવશે અને જશે. તેમની સાથે જોડાવાની જરૂર નથી. તે જ પ્રમાણે પ્રતિક્રીયાઓ સાથે પણ જોડાવાનુ નથી

જ્યારે આપણે ધ્યાનમા બેસીશુ ત્યારે બધી જ વાતની ફિકર છોડી દઇશુ. મોટાભાગે આપણે દિવસ દરમ્યાન કેટલાય વિચારો, આયોજનો, ગુસ્સો, દુ:ખ વગેરે સાથે લઇને ફરીએ છીએ. આપણે હર ક્ષણે આ જીવંત ઉર્જા ધરાવતા આશ્ચર્યજનક શ્વાસ લઇએ છીએ જેને આપણે ભુલી જઇએ છીએ. આપણે એના આભારી નથી થતા, કે અગર અમુક ક્ષણો માટે જો શ્વાસ રોકાઇ જાય તો શુ થાય આપણે સ્વયંમને એ વાતનો અહેસાસ દેવડાવીશુ કે  અત્યારે આ ક્ષણે આપણે જાગ્રુત છીએ, જીવંત છીએ. જેમ જેમ આપણે આપણા શ્વાસ ઉપર ધ્યાન કેંદ્રીત કરતા જઇશુ તેમ તેમ આપણી જીવંત ઉર્જા આપણી પાસે ચોક્કસ પરત ફરશે.

બસ આટલુ કરો કે આ શ્વાચ્છોશ્વાસનો ભંગ ન કરશો. અને તેને બહુ મહત્વ પણ ન આપશો. અત્યારે મહત્વ એ વાતનુ છે કે આપણે રોજ નિયમીતપણે અને આપણી ક્ષમતા મુજબ આ પ્રકારે ધ્યાનમા બેસી શકીએ. આચાર્ય રજનીશ કહે છે કે, કશુ ન કરવાની ક્રીયા એ સૌથી કઠીન ક્રીયા છે. જરા યાદ કરજો કે આજના દિવસમા તમે કોઇ ક્રીયા કે વિચારો કર્યા વગરની તદન કોરી એવી કેટલી ક્ષણો સ્વયંમ સાથે વિતાવી હતી?

ધ્યાનના અન્ય પ્રકારો કરતા આ પ્રકાર ભીન્ન છે. ઝેન એ કોઇ ચોક્કસ અવ્સ્થામા પહોચવાની ક્રિયા નથી. તે માત્ર વાસ્તવિકતા પ્રત્યે જાગ્રુત થવાની પ્રક્રિયા છે. આપણે કાઇક ખાસ કરવાનુ નથી, આપણે તો ક્ષણે ક્ષણે, શ્વાસે શ્વાસે જે વાસ્તવિકતા આપણી સમક્ષ રજુ થાય છે તે પ્રત્યે સજાગ રહેવાનુ છે.

આ વાત સમજવા માટે આપણે સૌ અત્યારે જ, આજ ક્ષણે એક અભ્યાસ કરીશુ. તે એમ કે

અત્યારે આ ક્ષણે તમે જ્યારે આ બ્લોગ વાંચી રહ્યા છો અને કોમપ્યુટર પર કાર્ય કરી રહ્યા ત્યારે એક ક્ષણ રોકાઇ જાવ………..,

કી-બોર્ડ ઉપર ફરતી આંગળીઓને એક ક્ષણ રોકી લો……….

માઉસ ઉપર સવાર તમારા હાથને વિરામ આપો અને……

એ બાબત પર ધ્યાન આપો કે તમે ક્યાં છો? ઘરમાં, ઓફિસમાં, દુકાનમાં …

ક્યાં છો તમે?

ચપળતાથી તમારૂ ધ્યાન આ બાહ્ય જગત પરથી તમારા શ્વાસ પર લઇ આવો.

અને તમારા શ્વાસ ! એ અત્યારે કેવી રીતે ચાલી રહ્યા છે? ધીમા, મધ્યમ કે ઝડપથી?  તે તરફ ધ્યાન લઇ જાવ.

બસ આ થઇ ધ્યાન અને જાગરૂકતાની શરૂઆત. આ અભ્યાસ દિવસ વાતો કરતા, કામ કરતા, સફાઇ કે અન્ય કોઇ પણ કાર્ય દરમ્યાન 2-3 વખત કરો.

ધીમે ધીમે તમારા શ્વાસ પ્રત્યે તમે સજાગ થતા જશો

ધ્યાનની શરૂઆત કરવા માટે આપણે શ્વાચ્છોશ્વાસને એક થી દસ સુધી ગણીશુ. અને ત્યાર બાદ દસ થી એક સુધી ઉલટી ગણતરી કરીશુ. હવે આપણા ડાબા હાથની હથેળીનો ખોબો બનાવી તેને આપણી નાભી પર મુકીશુ, અને જમણી હથેળીના ખોબાને ડાબા હાથ પર એ પ્રમાણે મુકીશુ કે, બન્ને હાથના અંગુઠા એક સાથે રહે. હવે આપણુ  ધ્યાન આપણા નાભીચક્ર પર લઇ જઇશુ, અને આ જ અવસ્થામા શકય તેટલી વાર બેસવા પ્રયત્ન કરીશુ. બસ આ જ છે ઝેન…..

લોકોને આશ્ચર્ય થતુ હોય છે  આ વાત પર કે, બસ આ જ છે ઝેન ? !!!!

સત્ય આ જ છે……આ જ ઝેન છે.

પરંતુ આપણે જે કર્યુ તેમા આપણે પરીપક્વ થવાનુ છે. આ જ મૌનમા આપણે ધીરે ધીરે વિચાર શુન્ય થઇને ભળતા જવાનુ છે ત્યા સુધી જ્યા સુધી આપણે આ મૌનનો સાદ અને મૌનની પેલે પારથી આવતો અવાજ સાંભળી ન લઇએ. તે માટે આપણે આ ઝાઝેનની, આ ધ્યાનની ક્રીયાનુ નિયમીતપણે પુનરાવર્તન કરવાનુ છે.

પુનરાવર્તનની પ્રક્રીયાને સ્વીકારવા માટે ઝેનમા આપણે એકની એક ક્રીયા 100થી પણ વધુ વખત કરીએ છીએ. ઉદાહરણ તરીકે વરસાદની એક બુંદ જ્યારે પથ્થર પર પડે છે ત્યારે તેને એક જ ધાર્યુ 1000 વખત પડવુ પડતુ હશે જેનાથી પથ્થર થોડો નરમ પડે અને વરસાદનુ પાણી પોતાનામા શોષી લઇ શકે.

આ જ સીધ્ધાંત આપણા મન અને ર્હદય માટે કાર્ય કરે છે. અહી ધ્યાનમા આપણે નિયમીતપણે ધ્યાનમા બેસીશુ અને એ જ પધ્ધતીને અનુસરીશુ. આપણે સ્થીર રહેવા પ્રયત્ન કરીશુ, આપણે સ્વયંમને ચલીત નહી થવા દઇએ, આપણે વિચારો નહી કરીએ, આપણે આપણી તકલીફથી ભાગીશુ નહી, આપણે સ્વયંમને કોઇ નિર્ણયો કર્યા વગર વહેણ સાથે વહેવા દઇશુ, જે વિચારો મનમા આવે તેને આવવા દઇશુ, જે વિચારો જાય તેને જવા દઇશુ.

જેમ જેમ આપણે આ કરતા જઇશુ આપણે પીડાવાની પ્રક્રીયાથી સ્વયંમને દુર ખેંચી લાવીશુ, આપણુ ધ્યાન બાહ્ય જગતમાથી પરત ખેંચાઇને સ્વયંમ સાથે જોડાઇ જશે. ઝેન એ સ્વયંમને સ્વયંમ પાસે પરત લાવવાનો અભ્યાસ છે.

જ્યા અને જે વિષય પર આપણુ ધ્યાન હોય છે એ તરફ જ આપણી જીવન ઉર્જા અને આપણી શક્તિ વહેતી હોય છે. હવે એ સમય આવી ગયો છે કે આપણે આપણુ ધ્યાન અંતવિહીન ક્ષુલ્લક બાબતો પરથી ખસેડીને વાસ્તવીકતાને સ્વીકાર કરી લઇએ. આમ કરવાથી  સ્વપ્નો, યાદો, ભય, ઘેલછા, અંકુશ એ બધા જ આપણને કાબુમા કરવાની શક્તિ ગુમાવી દે છે. ત્યાર બાદ આપણી પસંદગી, આપણી ક્રીયાઓ, અને આપણી પ્રતિક્રીયાઓ વર્તમાન પરીસ્થીતીને અનુરૂપ બનતી જાય છે.

આ સઘળુ માત્ર આપણા શ્વાસ ઉપર ધ્યાન રાખવાથી બને છે. આપણે અનુભવીએ છીએ કે શ્વાસ અંદર આવે છે અને બહાર જાય છે. અમુક લોકો આ બાબતને તુચ્છ ગણે છે. તેઓ વિચારે છે કે, આ પ્રક્રીયાથી મને શુ ફાયદો થવાનો હતો? પરંતુ, તેઓ એ વાત ભુલી જાય છે કે આ શ્વાસની ક્રીયા વગર તેઓ એક ક્ષણ પણ જીવંત નહી રહી શકે.

જેમ જેમ આપણો આભ્યાસ આગળ વધતો જશે, આપણે જોઇશુ કે આપણી અગ્રતાની યાદીમા ફેરફાર થઇ હ્યો છે. જેને આપણે તુચ્છ ગણીએ છીએ તે આવતો જન્મ આપણા માટે મહત્વનો બની જાય છે. જેને આપણે અત્યંત મહત્વના ગણીએ છીએ તે પૈસા, પ્રતિષ્ઠા આપણા માટે ગૌણ બની જાય છે. આપણે જીવનને યોગ્ય બનાવવા માટે કોઇ પ્રયત્ન નથી કરતા. જેમ જેમ આપણે ધ્યાનમા બેસીએ છીએ આપણે અનુભવીએ છીએ કે આપણુ જીવન યોગ્ય જ છે. અને તે માટે આપણે ઇશ્વરનો આભાર માનીએ છીએ.

Dr. Brenda Shoshanna

Dr. Brenda Shoshanna

આ લેખમા અમુક માહિતી ડો. બ્રેંડા શોષાના લેખીત પુસ્તક ઝેન મીરેકલમાથી લેવામા આવી છે.

તેઓ ઝાઝેનની પ્રેક્ટીસ કરે છે અને સાથે સાથે 25 વર્ષથી સાયકોથેરાપીસ્ટ તરીકેની ફરજ બજાવે છે. આ પુસ્તકમા તેમણે પોતાના 25 વર્ષોના અનુભવોમાથી પસંદ કરેલ સર્વશ્રેષ્ઠ વિષયોને આવરી લીધા છે. મુખ્ય પાંચ વિષયો જેવા કે “ મૂળ તરફ પરત ફરવુ “ , “ઇચ્છાઓ અને તેની અનિવાર્યતા”, “છોડી દેવાની ભાવના”, “મીથ્યા અહ્મને ઓગાળવાની રીત”, “ઝેન, ઇશ્વર અને બોધ”, વગેરેમા પરંપરાગત બૌધ્ધિક વાર્તાઓ અને કહેવતોનો ઉપયોગ કરવામા આવ્યો છે જે કોઇ પણ વ્યક્તિને ઝેન સંપ્રદાયના શાંતિમય પથ તરફ ડગ માંડવા આમંત્રણ આપે છે.

સ્તકમા રહેલા 18 વિભાગોને “ઝેન ઇન એક્શન” થી અધ્યયન અપાયો છે. આ પુસ્તકમા ઝેન અભ્યાસના વાસ્તવિક જીવનમા થતા સંયોજન પર વધુ ભાર મુકાયો છે.

ડો. બ્રેંડા શોષાન લિખીત પુસ્તકો અને સેમીનારની યાદી ઘણી લાંબી છે. તેમના અન્ય સુંદર પુસ્તકોમાથી એક છે “Zen and the Art of Falling in Love” અને ” Fearless”જેના વિષે આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશુ.

ઝેન મીરેકલ પુસ્તકના અમુક નોંધનીય મુદ્દા અહી રજુ કર્યા છે, જેને આપણે સાથે રાખીને આનંદમય જીવનને માણી શકીએ.

  • ક્યારેય અન્ય પર આધાર રાખવો નહી.
  • આપણી કરોડરજ્જુ તમને સ્વર્ગ અને પૃથ્વી સાથે જોડે છે, તેથી પીઠ હંમેશા સીધીં રાખવી જોઇએ,
  • ઇશ્વરના સર્જન સાથે સરળતાથી સુમેળ સાંધવાની પ્રક્રીયામા એકલતા અંતરાય ઉભો કરતી હોય તો તેનો ઇલાજ શોધી લેવો જોઇએ.
  • આપણે કયારેય સ્વયંમને ઉપર ઉઠાવવા, અન્યને નીચા ન પાડવા જોઇએ.
  • આ ચોક્ક્સ શ્વાસ ફરી ક્યારેય નહી આવે, તેથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • આપણે ઘોંઘાટને રોકી શકીએ નહી પણ આપણે સ્વયંમને તો રોકી જ શકીએ ! આપણે ઘોંઘાટને સ્વીકારી લઇ શકીએ.
  • તમે અત્યારે આ ક્ષણે શુ છો? એ પ્રશ્નનો ઉત્તર જ તમે ભૂતકાળમા શું હતા તે દર્શાવે છે.
  • તમે ક્યારેય સ્વયંમથી વધારે ખરાબ કોઇને જોઇ જ નહી શકો.
  • તબક્કા પછીનો તબક્કો એ જ યોગ્ય તબક્કો છે.
  • ક્યાંક જવાની મહેચ્છા તમને કશે નહી લઇ જઇ શકે
  • કઇ જ ન કરવુ, તે જ  સૌથી કઠીન ક્રીયા છે
  • કોઇ અન્યનુ મસ્તક તમારા માથા પર ન મુકો, તમારા ખુદના વિચારો શું ખોટા છે. (કોઇ અન્યના વિચારો તમારા પર ન લાદો. હંમેશા પોતાના વિચારોને અનુસરો)

ઝેન ફિલૉસફી અંગેની માહીતી  ડો. બ્રેંડા શોષાના લીખીત પુસ્તક  “ Zen miracle ” માથી સાભાર

(પુસ્તકની મુળ આવૃત્તિ ની ભાષા: અંગ્રેજી | ગુજરાતી અનુવાદ: કોમલ પટેલ)

 


ઝેન ફિલૉસફી

આપણે એક એવા વિશ્વમા વસવાટ કરીએ છીએ જે સંપુર્ણપણે પારદર્શક છે, અને ઇશ્વર હંમેશા એ પારદર્શકતા થકી તેનુ દિવ્ય તેજ આપણી તરફ ફેલાવે છે


એક પ્રશ્નાવલિથી આજના વિષયની શરૂઆત કરીશ.

ગઇ કાલે સવારે દાંત બ્રશ કર્યા બાદ આપે પ્રથમ કયુ કાર્ય કર્યુ હતુ ?

પહેલા ટૂથપેસ્ટ મુકી હતી કે ટૂથબ્રશ?

સવારે સમાચાર પત્ર વાંચતી વેળા યાદ છે કે ત્રીજા પાન ઉપર કયા સમાચાર હતા?

શુ આપને યાદ છે કે અખબાર વાંચ્યા પછી આપે તે કેવી રીતે વાળ્યુ હતુ?  અને કયાં મુક્યુ હતુ?

એ વાતનુ આપને ધ્યાન છે કે ઓફિસ પહોચ્યા પછી જ્યારે આપે આપનુ વાહન પાર્ક કર્યુ, ત્યારે તેની જમણી તરફ કયુ વાહન પાર્ક કરેલ હતુ? તેનો રંગ? તેના વિશે કોઇ ખાસ જાણકારી આપને યાદ છે?

ગઇ કાલે આખા દિવસ દરમ્યાન “મને ખબર નથી” , “મને ખ્યાલ ન રહ્યો “, “મને યાદ નથી”  કે “મારા ધ્યાન બહાર જતુ રહ્યુ” આ શબ્દો આપ કેટલી વાર બોલ્યા હશો?

ચાલો, બહુ દુરનુ યાદ નથી કરવુ…. આપ એ જણાવો કે આ બ્લોગ સર્ફ કરતા પહેલા આ લખાણ વાંચતા પહેલા આપે કયો બ્લોગ સર્ફ કર્યો હતો ? તે કોના દ્વારા લખાયો હતો? આપે ત્યા શુ વાંચ્યુ? તેમાથી કેટલુ તમને યાદ છે? તેમા લખેલી કઇ વાત તમને અક્ષરસહ યાદ છે?

આપ આ પ્રશ્નોના ઉત્તર યાદ કરો એ આવશ્યક છે કારણકે આ પ્રશ્નોના ઉત્તરના સંદર્ભમા આજની પોસ્ટ છે.

હવે એક વાર્તા ……

વાર્તા !!!

હમ મ મ મ ….. વાર્તા

એક વાર બે અજાણ્યા યુવાન ભિક્ષુકો જંગલ પાર કરતા કરતા એક સાથે થઇ ગયા. તે બન્ને અલગ અલગ ગુરુના શિષ્ય હતા. એક શિષ્ય તેના ગુરૂની કૌશલ્ય  વિશે બીજા ગુરૂના શિષ્ય આગળ બડાઇ હાંકતો હતો. તેનુ કહેવુ હતુ કે તેના ગુરૂ ઘણી જાદુગરી વિદ્યા જાણે છે. તે હવામા શબ્દો લખી શકે છે, તે 100 ફુટના અંતરથી પણ કાગળ પર ચિત્રો ઉપસાવી શકે છે, ઘણા રાજાઓ અને ધનવાન મંત્રીઓ  તેમને નમન કરવા આવે છે. એવા મહાન વિદ્યાવાન ગુરૂના શિષ્ય હોવાનો તેને ગર્વ હતો. તેણે અભિમાનથી તેના સાથી શિષ્યને પુછ્યુ કે તારા ગુરૂ આમાથી શુ કરી શકે છે ? તે શિષ્યએ નમ્રતાથી ઉત્તર આપ્યો કે “ હા, મારા ગુરૂ પણ ઘણી આવડત અને કૌશલ્ય ધરાવે છે, ઘણા આશ્ચર્યજનક કાર્યો કરે છે અને તેમાથી એક એ છે કે,

જ્યારે તેઓ ક્ષુધા અનુભવે છે ત્યારે તેઓ જમી લે છે, અને જ્યારે તેઓ થાકી જાય છે ત્યારે તેઓ સુઇ જાય છે.

આ જ વાર્તા અન્ય એક રીતે પણ પ્રચલીત છે કે એક વાર એક શિષ્યએ તેના અત્યંત વ્રુધ્ધ અને અનુભવી ગુરૂને કહ્યુ કે, ગુરૂદેવ આપ તો સન્યાસ અને સમાધિમાં ઘણા આગળ નીકળી ચુક્યા છો, ઘણા અનુભવો આપને થયા છે તો આપ મને જણાવો કે “ બોધ શુ છે? જ્ઞાન શુ છે? સમાધિ શુ છે ? અને ગૂરુ એ ઉત્તર આપ્યો કે

જ્યારે  ક્ષુધા અનુભવો ત્યારે  જમી લો , અને જ્યારે  થાક અનુભવો ત્યારે સુઇ જાવ. 

આ વાત આજે યાદ આવી એનુ કારણ છે કે આ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે.

આ એક પૌરાણિક ઝેન કથા છે જેનો સાર છે “ વહેણની સાથે વહેવુ, હમેશા જાગ્રુત રહેવુ”

મોટા ભાગના પ્રશ્નોના ઉત્તર હોય જ છે. જે આપણા તર્ક સંગત મનમા સંઘરાયેલા હોય છે. એ જ પ્રશ્નોના ઉત્તર માટે આપણે ગુરૂની શોધ કરીએ છીએ, કોઇક અલૌકીક શક્તિની કલ્પનાઓ કરીએ છીએ જેની પાસે આપણા બધા જ પ્રશ્નોના ઉત્તર હોય. સમય જતા આ શોધ એક ઘેલછા બનતી જાય છે. આપણે પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આધ્યાત્મિક ગુરૂઓ પાસે, ડોક્ટરો અને વૈધ પાસે , મનોચિકિત્સક પાસે, સંતો પાસે પહોચી જઇએ છીએ અને જાણે અજાણે એમની વાતો અને માન્યતાઓ પર વિશ્વાસ કરતા થઇ જઇએ છીએ. પરંતુ આ પ્રશ્નો અને તેમના ઉત્તર એટલા જ સરળ છે જેટલા ઉપરની પ્રશ્નાવલિના પ્રશ્નો અને તેના ઉત્તર.

આ માન્યતા છે ઝેન ફિલૉસફીની.

“ઝેન” શબ્દ એ ચાઇનીઝ શબ્દ Chán (禪) નુ જાપાનીઝ ઉચ્ચારણ છે, જે સંસ્ક્રુત શબ્દ “ધ્યાન” પરથી ઉતરી આવેલ છે. ઝેન ફિલૉસફી આપણને સરળત, સાદગી, વાસ્તવિકતા  અને સત્યનુ મહત્વ સમજાવે છે.

આપણે વાસ્તવિકતા સહન કરી શકતા નથી, તેને પચાવી શકતા નથી. આપણે વાસ્તવિકતાને બદલે, આપણને  જે સમજાય અને આપણને ગમે એવી ભ્રમણાઓમા વિશ્વાસ કરીએ છીએ. એવી ભ્રમણાઓ કે જે હતાશા અને દર્દનુ કારણ બને છે. વાસ્તવિકતા એ ઔષધી છે. આપણા જીવનના એ સત્ય જેને જાણવા અને સમજવા આપણે સક્ષમ છીએ તેને સ્વીકારી લેવાથી આપણે ઘણી વેદના ભોગવવામાથી બચી શકીએ છીએ.

દુ:ખ એ માત્ર દુ:ખ જ છે, પરંતુ તે દુ:ખમા  પીડાવુ એ આપણા તરફથી તેમા થતો ઉમેરો છે. આ પીડાવુ એટલે કે હર પળે, હર ક્ષણે જીવન જેવુ છે તેવુ સ્વીકારવાની વાસ્તવિકતાનો અસ્વીકાર. અને સત્ય તો એ છે કે આ પીડાવુઆપણે જ પસંદ કર્યુ છે. કેટલાક લોકો એવી માન્યતાઓ બાંધી લે છે કે આ મારા ખરાબ કર્મોનુ પરિણામ છે જો હુ સારો વ્યક્તી બન્યો હોત તો હુ આમ પીડાતનહી, અથવા મારી પીડામાટે બીજુ કોઇ જવાબદાર છે, અથવા એમ માની લે છે કે આ પીડાવાની ક્રીયા મારા બધા પાપ ધોઈ નાખશે….

તેનાથી વિપરીત વાસ્તવિકતા કઇક અલગ જ છે. લોકો ધ્યાન અને શાંતીની શોધ તરફ વળે છે કારણકે, તેઓ જીવનમા ઘણી તકલીફથી પીડાતા હોય છે, અસ્વસ્થતા, અસંતોષ, અનિંદ્રા, અજંપો, અશાંતી. જીવનમા કઇક ખુટતુ હોવાનો ભાવ, કઇક ખોવાતુ હોવાનો ભાવ… વગેરે. ભલે તેઓ કોઇ પણ ધર્મ, સંપ્રદાયના હોય આ તબક્કે મદદમા કશુ જ આવતુ નથી. આ વલોપાત, આ મંથન વધુ ને વધુ અંદર ઉતરતુ જાય છે. ભગવાન બુદ્ધે આ વલોપાતને ખુબ સુંદર રીતે દર્શાવ્યો છે.

જ્યારે કોઇએ તેમને પ્રશ્ન કર્યો કે “ આપ કોણ છો?” તેમણે ઉત્તર આપ્યો કે,

”હુ એક વૈધ છુ,  જે આ પ્રુથ્વી ઉપરની પીડાઓને હણવા આવ્યો છુ. આપણે બધા જ વિષમય બાણ (વિષમય બાણ: અસ્વસ્થતા, અસંતોષ, અનિંદ્રા, અજંપો, અશાંતી) દ્વારા વિંધાયેલ છીએ, હુ તમને જણાવીશ કે કેવી રીતે એ બાણને કાઢીને પીડા દુર કરવી.” તેમણે ક્યારેય એમ નથી કહ્યુ કે હુ તમને એ બાણ કાઢી આપીશ. તેમણે કહ્યુ છે કે હુ તમને એનો રસ્તો  બતાવીશ.

એ જ છે ઝેન ફિલૉસફી. ઝેન અભ્યાસમા આપણે કોઇ અન્ય ઉપર આધાર રાખવાનો હોતો જ નથી, પરંતુ આપણે આપણા ઝેરી બાણોને જાતે જ ખેંચી કાઢવાના હોય છે. અને આ પ્રક્રીયા બાદ લોકો એ વાતથી ખુબ જ આશ્ચર્ય અનુભવે છે કે, જે બાબતો અને ગ્રંથી વિશે તેમને લાગતુ હતુ કે તેમને દુર કરવી શક્ય જ નથી, તે જ ગ્રંથીઓ વિષમય બાણની ઝેરી અસરો ધરાવે છે.

તો જ્યારે આપણે એ માન્યતાઓને છોડી દઇએ છીએ, ત્યારે આપણે અનાયાસે એ વાસ્તવિકતા સ્વીકારી લઇએ છીએ કે દુ:ખ એ માત્ર દુ:ખ” જ છે. જેને જીવનમા હોવાની શક્યતાને નકારી શકાય નહી. દુ:ખની શક્યતાને નકારવાની વ્રુત્તી જ બધા દુ:ખનુ મૂળ છે, તે જ વિષમય બાણ છે. જેમ જેમ આપણે આ દુ:ખનો  સ્વકાર કરતા જઇશુ, તેને અનુભવતા જઇશુ, તેમ તેમ તે પોતાની રીતે જ આપણા વિચારો અને અંતે જીવનમાથી એક તરફ થતા જશે.આપણે એ દુ:ખની રજુઆત કરવાની આવષ્યકતા નથી, તેના વિશે વિચારો કરીને તેને બળ આપવાની પણ જરૂર નથી. માત્ર તેને સ્વીકારી લો. આ સામાન્ય સ્વીકાર કરવાથી આ દુ:ખ કઇક અન્ય રૂપમા પરિવર્તન પામશે……

માત્ર આ દુ:ખ જ નહી આપણે સ્વયંમ પણ કોઇ અલગ સ્વરૂપમા રૂપાંતરીત થઇ જઇશુ. જેમ આપણે આ ઝેન ફિલૉસફીનો અભ્યાસ કરતા જઇશુ આપણે જોઇશુ કે જીવનના આ દુ:ખ એટલા પણ ખરાબ નથી. જો આપણે આપણુ આખુ જીવન આ દુ:ખથી ભાગવામા વિતાવીશુ તો,  આપણે જીવન તરફથી મળતી દરેક સંભાવનાઓ સામે પીઠ ફેરવી લઇશુ. તો આપણે કયારેય આનંદિત અવસ્થામા હસી નહી શકીએ અને ઉદાસ અવસ્થામા રડી નહી શકીએ.

ઝેન ફિલૉસફીમા આપણે જાણીશુ કે આ દુ:ખનો સ્વીકાર કેવી રીતે કરવો?

તેની દર્દનાક ક્ષણોમાથી પસાર કેવી રીતે થવુ?

જ્યારે આપણે આપણા અનુભવોને તે જેવા છે તે રીતે સ્વીકારવા તૈયાર હોઇએ છીએ ત્યારે એક આશ્ચર્યજનક ઘટના ઘટે છે: તે બીજા કોઇ સ્વરૂપમા રૂપાંતરીત થઇ જાય છે, પરંતુ જ્યારે આપણે તેનો અસ્વીકાર કરીને તેનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તે પીડાદાયક બની જાય છે. દુ:ખ- દર્દ અને તેમા પીડાવુ એ બન્ને વચ્ચે બહુ ઘણો મોટો ફર્ક છે. દુ:ખ એ જીવનનુ એક અંગ છે તેનાથી બચવુ શક્ય નથી હોતુ પણ તેમા પીડાવાની પ્રક્રીયાથી ચોક્કસ બચી શકાય છે.

જેમ જેમ  ઝેન ફિલૉસફીનો અભ્યાસ થતો જશે, વિચારો એક તરફ થતા જશે અને મન પક્ષીઓના કલરવ સાથે, શીતળ હવાઓ સાથે, સુર્યના કિરણો સાથે, બાળકોન સ્મિતમા, પ્રેમીજનોના વ્હાલમા…. એકરૂપ થતુ જશે. વિચારો આપણને આ આહલાદક આનંદથી દુર લઇ જાય છે. અને સ્વીકૃતિની ભાવના આ દરેક ઇશ્વરીય તત્વમાથી મળતી ઉર્જા, આનંદ અને ઉપચાર સાથે જોડે છે.

ઝેન ફિલૉસફીના અભ્યાસ અને જીવનમા તેના ઉપયોગ વિશે હવે પછીની પોસ્ટમા વાત કરીશુ.


ક્રિએટિવ વિઝયુલાઈઝેશન

 “અજવાળું” અંતર્ગત આજે વાત કરીશુ ક્રિએટિવ વિઝ્યુઅલાઇઝેશન વિશે.


 આપણા જીવનમા આપણને ખરેખર શેની શોધ રહે છે? આપણે શુ મેળવવા ઇચ્છીયે છીએ અને તેને મેળવવા માટે કેટલા અને કેવા પ્રયત્નો કરીએ છીએ ? માનવી જીવનના દરેક તબક્કે, દરેક વિષયમા, દરેક સબંધોમા પુર્ણતા ઝંખે છે. તે જીવનમા આનંદ, સંતોષકારક સંબંધો, મનમા રહેલ વિચારોની સ્પષ્ટ રજુઆત કરવાની ઇચ્છા ધરાવે છે. તે તંદુરસ્તી, સુંદરતા, સમૃદ્ધધી, આંતરીક શાંતી, અને સંવાદીતા વગેરે મેળવવા જીવનભર દોડયા કરે છે અને એ દોડ આવષ્યક છે કારણકે આપણા જીવનમા આ દરેક બાબતો ખરેખર ઈચ્છનીય છે.

પણ શુ આ દોડનો અંત યથાર્થદર્શી હોય છે ખરો?

શુ તે આ સઘળુ મેળવવામા સફળ રહે છે. જો સફળતા મેળવે પણ છે તો શુ તેને જીવનભર ટકાવી રાખી શકે છે??? ના !!!

અને જો ના તો તેના માટે શુ કરવુ જોઇએ?

આ બધા જ પ્રશ્નોનો ઉત્તર છે આ પુસ્તક :- ક્રિએટિવ વિઝયુલાઈઝેશન

આ પુસ્તક એક જ સિધ્ધાંત પર કાર્ય કરે છે કે

આપણા જીવનની હરેક પળ અસીમ સર્જનાત્મક્તા અને આ વિશ્વ અનંત ઉદારતા ધરાવે છે. આપણે જરુર છે તો માત્ર યોગ્ય અને આવશ્યક માગણીની અને ત્યાર બાદ, તે દરેક બાબત જે આપણુ હ્રદય ખરેખર ઈચ્છે છે તે આપણી તરફ ચોક્કસ ખેંચાઈ આવે છે .

આપણે જીવનમા જે તંદુરસ્તી, સુંદરતા, સમૃદ્ધધી , આંતરીક શાંતિ, પુર્ણતા અને સંવાદિતતા મેળવવી છે, તે શક્ય બનાવવા માટે આપણી પોતાની જ કુદરતી સર્જનાત્મક કલપ્ના શક્તિનો ઊપયોગ જાગ્રતપણે કેવી રીતે કરવો, તે આ પુસ્તક શીખવે છે. ક્રિએટિવ વિઝયુલાઈઝેશન આપણને જીવનના કુદરતી પોષક તત્વ અને ઊદારતા તરફ જવાનો રસ્તો ચિંધે છે.

શુ છે ક્રિએટિવ વિઝયુલાઈઝેશન ?

ક્રિએટિવ વિઝયુલાઈઝેશન એટલે તમારી અંદર રહેલી સર્જનાત્મક્તાનો ઊપયોગ કરી તમારા પોતાના જીવનમા આવશ્યક વિષય-વસ્તુ મેળવવાની એક પધ્ધતી. ક્રિએટિવ વિઝયુલાઈઝેશનના વિષયમા એવુ કશુ જ નથી જેને નવીન, વિચિત્ર કે અસામાન્ય કહી શકાય, તેનો ઊપયોગ તમે રોજબરોજ ના જીવનમા હર એક પળે કરો જ છો. તે તમારી કુદરતી કલ્પનાશક્તી છે, વિશ્વની મુળભુત સર્જનાત્મશક્તિ છે, જેનો તમે જાણે અજાણે પણ સતત ઊપયોગ કરો જ છો.

ઊદાહરણ તરીકે, આપને આપની હાલની કાર્ય સ્થિતિથી (કામ કરવાનુ સ્થળ અથવા માહોલ) અસંતોષ છે. જો આપને લાગતુ હોય કે આ કાર્ય સ્થિતિ બરાબર જ છે પરંતુ તેના અમુક પાસા એવા છે જેમા સુધારાની જરુર છે, તો તેની શરૂઆત આપ એ સુધારાની કલ્પના કરી ને કરી શકો છો, તે છત્તા પણ આપને જણાય કે તમારે નવા કાર્યક્ષેત્ર વિશે વિચારવુ જોઈએ તો આપ ખુદને એવા કાર્યસ્થળે કાર્યરત હોવાની કલ્પ્ના કરી શકો છો જે તમે ખરેખર ઈચ્છો છો.

તે સિવાય મુળભુત પધ્ધતી એક સમાન જ છે. મનના શાંત, ઊંડા અને ધ્યાનાત્મક સ્તરે પહોચ્યા પછી કલ્પ્ના કરો કે, આપ આપની પસંદગીના કાર્ય સ્થળે છો. કલ્પ્ના કરો એ શારીરિક અવસ્થા અને એવા માહોલની જે તમને પસંદ હોય. એ કાર્યક્ષેત્રમા જે આપના માટે આનંદમય અને સંતોષકારક હોય, સહકર્મચારીઓ સાથે થતી સંવાદિત પ્રતિક્રિયા (conversation) અને યોગ્ય નાણાકીય વળતર. એ સિવાયની એવી બધી જ વિગતો એમા ઉમેરો જે તમારા માટે જરૂરી હોય, જેમ કે કામ કરવાના કલાકો, સ્વયંશાસન અને તમારા માથે રહેલ જવાબદારી. આપની અંદર એ લાગણી કેળવવાનો, એ અનુભવ કરવાનો પ્રયત્ન કરો કે આ બધુ ખરેખર જ બની રહ્યુ છે. ટુંકમા એની કલ્પ્ના બિલકુલ એ જ રીતે કરો કે જે રીતે તમે વાસ્તવમા હોય તેમ ઇચ્છો છો.

આ ટુંકી પધ્ધતી નુ આપ પુનરાવર્તન કર્યા કરો. દિવસમા 2-3 વાર. જો પરિવર્તન માટેના આપના મનસુબા અને ઈચ્છા સ્પષ્ટ હશે તો જે પરિવર્તન થશે તે જલ્દી અને સારુ જ થશે અને જેનો ખ્યાલ આપને જલ્દી જ આવશે.

અહીયા એ જણાવી દેવુ જરુરી છે કે આ પધ્ધતીનો ઊપયોગ બીજાના વર્તન પર કાબુ રાખવા માટે કે તેમને તેમની મરજી વિરુધ્ધ કોઈ કાર્ય કરાવવા માટે નથી. આ પધ્ધતી અસર કરે છે આપણા આંતરીક અંતરાયો, આપણી કુદરતી સંવાદીતા અને ખુદને ઓળખવામા આપણને નડતી અડચણો પર. આ અડચણોને ઓગાળીને તે આપણી હકારાત્મકતાને રજુ કરવાની આપણને મોકળાશ આપે છે.

(આ પુસ્તકના લેખીકા શ્રી શક્તિ ગવાઈન મુળ અમેરીકાના વતની છે પરંતુ ભારતમા તેમની મુલાકાત દરમ્યાન તેઓ ભારતીય ધર્મ અને કલા સંસ્ક્રૂતિથી આકર્ષાયા અને તેમણે તેમનુ નામ શક્તિ રાખ્યુ છે. આ પુસ્તક ક્રિએટિવ વિઝયુલાઈઝેશનની મુખ્ય આવૃત્તિ રચાઇ હતી વર્ષ 1978-1994 દરમ્યાન. તેની પ્રથમ આવૃત્તિ બહાર પડી વર્ષ 1995મા અને ત્યારબાદ તેની ગીફ્ટ આવૃત્તિ આવી વર્ષ 1998મા અને હજી આજે પણ તેના વાચકો વધી રહ્યા છે. આ ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે આ પુસ્તક કેટલુ લોકપ્રિય રહ્યુ હશે અને એમા લખાયેલ શબ્દોની અસર કેટલી તટસ્થ હશે. આ પુસ્તકમા લેખીકાએ “ક્રિએટીવ વિઝયુલાઈઝેશન કેવી રીતે કરવુ ?…અસરકારક ક્રિએટીવ વિઝયુલાઈઝેશન માટેના 4 મૂળભુત નિયમો …,તંદુરસ્તી અને સુંદરતા સાથે ક્રિએટિવ વિઝ્યુઅલાઇઝેશનો સબંધ…,લક્ષ્યોની સ્થાપના…, પોતાનામા રહેલ સારા ગુણોને સ્વીકારો …, સર્જનાત્મક જાગરૂતા…, અફેરમેશન કેવી રીતે લખવા… વગેરે સફળતાપુર્વક ક્રિએટિવ વિઝ્યુઅલાઇઝેશન કરવામા મદદરૂપ રહે તેવી બાબતો પર વિસ્ત્રૃત મહિતી આપી છે. એ વિષયો પર ફરી ક્યારેક ચર્ચા કરીશુ )

આ પુસ્તક જે સંસ્થા દ્વારા પ્રકાશન થયુ છે તે સંસ્થા છે ” ન્યુ વર્લ્ડ લાઇબ્રેરી”

આ સંસ્થા જીવન ઉપયોગી અને માઇન્ડ પાવરને લગતા પુસ્તકોનુ પ્રકાશન કરે છે. આ ઉપરાંત અન્ય ઘણા મોટીવેશનલ પુસ્તકો અને ઘણા સારા લેખકોની કૃતિ તમને અહી મળી શકશે. http://www.newworldlibrary.com


ક્રિએટિવ વિઝ્યુઅલાઇઝેશન અંગેની માહીતી શ્રી શક્તિ ગવાઇનના પુસ્તક “ Creative Visualization” માથી સાભાર

(મુળ આવૃત્તિ ની ભાષા: અંગ્રેજી | ગુજરાતી અનુવાદ: કોમલ પટેલ)


અંતરના અજવાળા તરફ …

અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

શ્રી માધવ રામાનુજના લખેલ આ કાવ્યથી થી બ્લોગની શરૂઆત કરૂ છુ .

બ્લોગનુ નામ અને આ પ્રથમ પોસ્ટ કઇક અંશે મળતા આવે છે ખરૂ ને ???

તેનુ કારણ છે કે જે વિષય ઉપર આ બ્લોગ પર ચર્ચા કરવાની ઇચ્છા છે એ વિષય છે “અજવાળુ”

આપણે બધા જ એ ઇચ્છા ધરાવીએ છીએ કે જીવન એક ચમત્કાર બને. આપણે ચમત્કારો માટે પ્રાર્થના કરીએ છીએ, તેની વાતો સાંભળીએ છીએ અને ધારણા કરીએ છીએ કે વર્ષો પહેલા કોઇ ચમત્કાર થયો હશે અને ભવિષ્યમા ક્યારેક કોઇ એક દિવસે ચમત્કાર થશે. પરંતુ આપણે એ ભુલી જઇએ છીએ કે આ ચમત્કારીક શક્તિ એ બહારથી નથી મળતી તે આપણી અંદર જ છે. આપણી સાચી ઓળખ એ આપણી અંદર રહેલ પ્રકાશ છે. આપણુ બાહ્ય શરીર નહી. આ આંતર જ્યોત આપણને ઇશ્વરે પ્રદાન કરી છે. આપણે સ્વયમને એક પ્રકાશપુંજ તરીકે જોઇ શકીએ તો જ એ શક્તિને પિછાણી શકીએ.

તે માટે આપણે કેવળ આપણી આંખો બંધ કરી અને શાંતીથી બેસીશુ, અને આપણા માનસ પટ પર રહેલ અંધકારમય દ્રશ્યને નીહાળીશુ, આપણી અંદર રહેલ પ્રકાશપુંજને જોવા પ્રયત્ન કરીશુ. આપણા અર્ધજાગ્રુત મનને આદેશ કરીશુ કે આપણા માનસપટ પર જે અંધકારમય દ્રશ્ય છે ત્યા તે આ પ્રકાશપુંજના આપણને દર્શન કરાવે…… અને અચાનક જ સફેદ પ્રકાશની એક દીવાદાંડી આપણને દ્રષ્ટીગોચર થશે જે પરમ સત્યનો ભેદ ખોલીને આપણા મનને પ્રકાશથી ભરી દેશે.

શરૂઆતમા શક્ય છે કે આ સફેદ પ્રકાશનો સહેજ ચમકારો માત્ર જ દેખાય, પરંતુ જ્યારે એ દેખાવાની શરૂઆત થાય છે ત્યારે માની લેવુ કે આપણે આ માર્ગને જલ્દી જ સમજી લઇશુ. આપણી જે ઇચ્છાશક્તિ છે તે જ આ માર્ગમા આપણી દિવાદાંડી બનશે.

અજવાળું, આ બ્લોગ ઉપર ચર્ચા કરવી છે આપણી આંતર શક્તિની. બહારથી ઘેરી વળેલી ચિંતા, દ્વિધા અને પ્રશ્નોના સઘળા ઉકેલ આપણી અંદરથી જ મળી આવે છે. આપણુ આંતર મન આપણને તે ઉકેલ મેળવી આપે છે. આપણા દરેકની અંદર એ પ્રકાશ રહેલો છે બસ તેને શોધી કાઢીને તેને અનુસરવાની જરૂર છે.

આ બ્લોગ ઉપર આપણે એવા પુસ્તકો વિશે ચર્ચા કરીશુ જે આપણને આ પ્રકાશ તરફ દોરી જાય. જેની અંતર્ગત આપણે મનની શક્તિઓ, સકારાત્મક વલણ, ધ્યાન, આકર્ષણનો નિયમ, સર્જનાત્મકતા, આધ્યાત્મકિતા અને વિજ્ઞાન વગેરે વિષયોને આવરી લેવા પ્રયત્ન કરીશુ.