ઝેન ફિલૉસફી

આપણે એક એવા વિશ્વમા વસવાટ કરીએ છીએ જે સંપુર્ણપણે પારદર્શક છે, અને ઇશ્વર હંમેશા એ પારદર્શકતા થકી તેનુ દિવ્ય તેજ આપણી તરફ ફેલાવે છે


એક પ્રશ્નાવલિથી આજના વિષયની શરૂઆત કરીશ.

ગઇ કાલે સવારે દાંત બ્રશ કર્યા બાદ આપે પ્રથમ કયુ કાર્ય કર્યુ હતુ ?

પહેલા ટૂથપેસ્ટ મુકી હતી કે ટૂથબ્રશ?

સવારે સમાચાર પત્ર વાંચતી વેળા યાદ છે કે ત્રીજા પાન ઉપર કયા સમાચાર હતા?

શુ આપને યાદ છે કે અખબાર વાંચ્યા પછી આપે તે કેવી રીતે વાળ્યુ હતુ?  અને કયાં મુક્યુ હતુ?

એ વાતનુ આપને ધ્યાન છે કે ઓફિસ પહોચ્યા પછી જ્યારે આપે આપનુ વાહન પાર્ક કર્યુ, ત્યારે તેની જમણી તરફ કયુ વાહન પાર્ક કરેલ હતુ? તેનો રંગ? તેના વિશે કોઇ ખાસ જાણકારી આપને યાદ છે?

ગઇ કાલે આખા દિવસ દરમ્યાન “મને ખબર નથી” , “મને ખ્યાલ ન રહ્યો “, “મને યાદ નથી”  કે “મારા ધ્યાન બહાર જતુ રહ્યુ” આ શબ્દો આપ કેટલી વાર બોલ્યા હશો?

ચાલો, બહુ દુરનુ યાદ નથી કરવુ…. આપ એ જણાવો કે આ બ્લોગ સર્ફ કરતા પહેલા આ લખાણ વાંચતા પહેલા આપે કયો બ્લોગ સર્ફ કર્યો હતો ? તે કોના દ્વારા લખાયો હતો? આપે ત્યા શુ વાંચ્યુ? તેમાથી કેટલુ તમને યાદ છે? તેમા લખેલી કઇ વાત તમને અક્ષરસહ યાદ છે?

આપ આ પ્રશ્નોના ઉત્તર યાદ કરો એ આવશ્યક છે કારણકે આ પ્રશ્નોના ઉત્તરના સંદર્ભમા આજની પોસ્ટ છે.

હવે એક વાર્તા ……

વાર્તા !!!

હમ મ મ મ ….. વાર્તા

એક વાર બે અજાણ્યા યુવાન ભિક્ષુકો જંગલ પાર કરતા કરતા એક સાથે થઇ ગયા. તે બન્ને અલગ અલગ ગુરુના શિષ્ય હતા. એક શિષ્ય તેના ગુરૂની કૌશલ્ય  વિશે બીજા ગુરૂના શિષ્ય આગળ બડાઇ હાંકતો હતો. તેનુ કહેવુ હતુ કે તેના ગુરૂ ઘણી જાદુગરી વિદ્યા જાણે છે. તે હવામા શબ્દો લખી શકે છે, તે 100 ફુટના અંતરથી પણ કાગળ પર ચિત્રો ઉપસાવી શકે છે, ઘણા રાજાઓ અને ધનવાન મંત્રીઓ  તેમને નમન કરવા આવે છે. એવા મહાન વિદ્યાવાન ગુરૂના શિષ્ય હોવાનો તેને ગર્વ હતો. તેણે અભિમાનથી તેના સાથી શિષ્યને પુછ્યુ કે તારા ગુરૂ આમાથી શુ કરી શકે છે ? તે શિષ્યએ નમ્રતાથી ઉત્તર આપ્યો કે “ હા, મારા ગુરૂ પણ ઘણી આવડત અને કૌશલ્ય ધરાવે છે, ઘણા આશ્ચર્યજનક કાર્યો કરે છે અને તેમાથી એક એ છે કે,

જ્યારે તેઓ ક્ષુધા અનુભવે છે ત્યારે તેઓ જમી લે છે, અને જ્યારે તેઓ થાકી જાય છે ત્યારે તેઓ સુઇ જાય છે.

આ જ વાર્તા અન્ય એક રીતે પણ પ્રચલીત છે કે એક વાર એક શિષ્યએ તેના અત્યંત વ્રુધ્ધ અને અનુભવી ગુરૂને કહ્યુ કે, ગુરૂદેવ આપ તો સન્યાસ અને સમાધિમાં ઘણા આગળ નીકળી ચુક્યા છો, ઘણા અનુભવો આપને થયા છે તો આપ મને જણાવો કે “ બોધ શુ છે? જ્ઞાન શુ છે? સમાધિ શુ છે ? અને ગૂરુ એ ઉત્તર આપ્યો કે

જ્યારે  ક્ષુધા અનુભવો ત્યારે  જમી લો , અને જ્યારે  થાક અનુભવો ત્યારે સુઇ જાવ. 

આ વાત આજે યાદ આવી એનુ કારણ છે કે આ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે.

આ એક પૌરાણિક ઝેન કથા છે જેનો સાર છે “ વહેણની સાથે વહેવુ, હમેશા જાગ્રુત રહેવુ”

મોટા ભાગના પ્રશ્નોના ઉત્તર હોય જ છે. જે આપણા તર્ક સંગત મનમા સંઘરાયેલા હોય છે. એ જ પ્રશ્નોના ઉત્તર માટે આપણે ગુરૂની શોધ કરીએ છીએ, કોઇક અલૌકીક શક્તિની કલ્પનાઓ કરીએ છીએ જેની પાસે આપણા બધા જ પ્રશ્નોના ઉત્તર હોય. સમય જતા આ શોધ એક ઘેલછા બનતી જાય છે. આપણે પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આધ્યાત્મિક ગુરૂઓ પાસે, ડોક્ટરો અને વૈધ પાસે , મનોચિકિત્સક પાસે, સંતો પાસે પહોચી જઇએ છીએ અને જાણે અજાણે એમની વાતો અને માન્યતાઓ પર વિશ્વાસ કરતા થઇ જઇએ છીએ. પરંતુ આ પ્રશ્નો અને તેમના ઉત્તર એટલા જ સરળ છે જેટલા ઉપરની પ્રશ્નાવલિના પ્રશ્નો અને તેના ઉત્તર.

આ માન્યતા છે ઝેન ફિલૉસફીની.

“ઝેન” શબ્દ એ ચાઇનીઝ શબ્દ Chán (禪) નુ જાપાનીઝ ઉચ્ચારણ છે, જે સંસ્ક્રુત શબ્દ “ધ્યાન” પરથી ઉતરી આવેલ છે. ઝેન ફિલૉસફી આપણને સરળત, સાદગી, વાસ્તવિકતા  અને સત્યનુ મહત્વ સમજાવે છે.

આપણે વાસ્તવિકતા સહન કરી શકતા નથી, તેને પચાવી શકતા નથી. આપણે વાસ્તવિકતાને બદલે, આપણને  જે સમજાય અને આપણને ગમે એવી ભ્રમણાઓમા વિશ્વાસ કરીએ છીએ. એવી ભ્રમણાઓ કે જે હતાશા અને દર્દનુ કારણ બને છે. વાસ્તવિકતા એ ઔષધી છે. આપણા જીવનના એ સત્ય જેને જાણવા અને સમજવા આપણે સક્ષમ છીએ તેને સ્વીકારી લેવાથી આપણે ઘણી વેદના ભોગવવામાથી બચી શકીએ છીએ.

દુ:ખ એ માત્ર દુ:ખ જ છે, પરંતુ તે દુ:ખમા  પીડાવુ એ આપણા તરફથી તેમા થતો ઉમેરો છે. આ પીડાવુ એટલે કે હર પળે, હર ક્ષણે જીવન જેવુ છે તેવુ સ્વીકારવાની વાસ્તવિકતાનો અસ્વીકાર. અને સત્ય તો એ છે કે આ પીડાવુઆપણે જ પસંદ કર્યુ છે. કેટલાક લોકો એવી માન્યતાઓ બાંધી લે છે કે આ મારા ખરાબ કર્મોનુ પરિણામ છે જો હુ સારો વ્યક્તી બન્યો હોત તો હુ આમ પીડાતનહી, અથવા મારી પીડામાટે બીજુ કોઇ જવાબદાર છે, અથવા એમ માની લે છે કે આ પીડાવાની ક્રીયા મારા બધા પાપ ધોઈ નાખશે….

તેનાથી વિપરીત વાસ્તવિકતા કઇક અલગ જ છે. લોકો ધ્યાન અને શાંતીની શોધ તરફ વળે છે કારણકે, તેઓ જીવનમા ઘણી તકલીફથી પીડાતા હોય છે, અસ્વસ્થતા, અસંતોષ, અનિંદ્રા, અજંપો, અશાંતી. જીવનમા કઇક ખુટતુ હોવાનો ભાવ, કઇક ખોવાતુ હોવાનો ભાવ… વગેરે. ભલે તેઓ કોઇ પણ ધર્મ, સંપ્રદાયના હોય આ તબક્કે મદદમા કશુ જ આવતુ નથી. આ વલોપાત, આ મંથન વધુ ને વધુ અંદર ઉતરતુ જાય છે. ભગવાન બુદ્ધે આ વલોપાતને ખુબ સુંદર રીતે દર્શાવ્યો છે.

જ્યારે કોઇએ તેમને પ્રશ્ન કર્યો કે “ આપ કોણ છો?” તેમણે ઉત્તર આપ્યો કે,

”હુ એક વૈધ છુ,  જે આ પ્રુથ્વી ઉપરની પીડાઓને હણવા આવ્યો છુ. આપણે બધા જ વિષમય બાણ (વિષમય બાણ: અસ્વસ્થતા, અસંતોષ, અનિંદ્રા, અજંપો, અશાંતી) દ્વારા વિંધાયેલ છીએ, હુ તમને જણાવીશ કે કેવી રીતે એ બાણને કાઢીને પીડા દુર કરવી.” તેમણે ક્યારેય એમ નથી કહ્યુ કે હુ તમને એ બાણ કાઢી આપીશ. તેમણે કહ્યુ છે કે હુ તમને એનો રસ્તો  બતાવીશ.

એ જ છે ઝેન ફિલૉસફી. ઝેન અભ્યાસમા આપણે કોઇ અન્ય ઉપર આધાર રાખવાનો હોતો જ નથી, પરંતુ આપણે આપણા ઝેરી બાણોને જાતે જ ખેંચી કાઢવાના હોય છે. અને આ પ્રક્રીયા બાદ લોકો એ વાતથી ખુબ જ આશ્ચર્ય અનુભવે છે કે, જે બાબતો અને ગ્રંથી વિશે તેમને લાગતુ હતુ કે તેમને દુર કરવી શક્ય જ નથી, તે જ ગ્રંથીઓ વિષમય બાણની ઝેરી અસરો ધરાવે છે.

તો જ્યારે આપણે એ માન્યતાઓને છોડી દઇએ છીએ, ત્યારે આપણે અનાયાસે એ વાસ્તવિકતા સ્વીકારી લઇએ છીએ કે દુ:ખ એ માત્ર દુ:ખ” જ છે. જેને જીવનમા હોવાની શક્યતાને નકારી શકાય નહી. દુ:ખની શક્યતાને નકારવાની વ્રુત્તી જ બધા દુ:ખનુ મૂળ છે, તે જ વિષમય બાણ છે. જેમ જેમ આપણે આ દુ:ખનો  સ્વકાર કરતા જઇશુ, તેને અનુભવતા જઇશુ, તેમ તેમ તે પોતાની રીતે જ આપણા વિચારો અને અંતે જીવનમાથી એક તરફ થતા જશે.આપણે એ દુ:ખની રજુઆત કરવાની આવષ્યકતા નથી, તેના વિશે વિચારો કરીને તેને બળ આપવાની પણ જરૂર નથી. માત્ર તેને સ્વીકારી લો. આ સામાન્ય સ્વીકાર કરવાથી આ દુ:ખ કઇક અન્ય રૂપમા પરિવર્તન પામશે……

માત્ર આ દુ:ખ જ નહી આપણે સ્વયંમ પણ કોઇ અલગ સ્વરૂપમા રૂપાંતરીત થઇ જઇશુ. જેમ આપણે આ ઝેન ફિલૉસફીનો અભ્યાસ કરતા જઇશુ આપણે જોઇશુ કે જીવનના આ દુ:ખ એટલા પણ ખરાબ નથી. જો આપણે આપણુ આખુ જીવન આ દુ:ખથી ભાગવામા વિતાવીશુ તો,  આપણે જીવન તરફથી મળતી દરેક સંભાવનાઓ સામે પીઠ ફેરવી લઇશુ. તો આપણે કયારેય આનંદિત અવસ્થામા હસી નહી શકીએ અને ઉદાસ અવસ્થામા રડી નહી શકીએ.

ઝેન ફિલૉસફીમા આપણે જાણીશુ કે આ દુ:ખનો સ્વીકાર કેવી રીતે કરવો?

તેની દર્દનાક ક્ષણોમાથી પસાર કેવી રીતે થવુ?

જ્યારે આપણે આપણા અનુભવોને તે જેવા છે તે રીતે સ્વીકારવા તૈયાર હોઇએ છીએ ત્યારે એક આશ્ચર્યજનક ઘટના ઘટે છે: તે બીજા કોઇ સ્વરૂપમા રૂપાંતરીત થઇ જાય છે, પરંતુ જ્યારે આપણે તેનો અસ્વીકાર કરીને તેનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તે પીડાદાયક બની જાય છે. દુ:ખ- દર્દ અને તેમા પીડાવુ એ બન્ને વચ્ચે બહુ ઘણો મોટો ફર્ક છે. દુ:ખ એ જીવનનુ એક અંગ છે તેનાથી બચવુ શક્ય નથી હોતુ પણ તેમા પીડાવાની પ્રક્રીયાથી ચોક્કસ બચી શકાય છે.

જેમ જેમ  ઝેન ફિલૉસફીનો અભ્યાસ થતો જશે, વિચારો એક તરફ થતા જશે અને મન પક્ષીઓના કલરવ સાથે, શીતળ હવાઓ સાથે, સુર્યના કિરણો સાથે, બાળકોન સ્મિતમા, પ્રેમીજનોના વ્હાલમા…. એકરૂપ થતુ જશે. વિચારો આપણને આ આહલાદક આનંદથી દુર લઇ જાય છે. અને સ્વીકૃતિની ભાવના આ દરેક ઇશ્વરીય તત્વમાથી મળતી ઉર્જા, આનંદ અને ઉપચાર સાથે જોડે છે.

ઝેન ફિલૉસફીના અભ્યાસ અને જીવનમા તેના ઉપયોગ વિશે હવે પછીની પોસ્ટમા વાત કરીશુ.

About Komal Tailor

I am a Creative Designer. You can visit my Gallery at http://artisticera.deviantart.com/gallery/ View all posts by Komal Tailor

9 responses to “ઝેન ફિલૉસફી

  • Atul Jani (Agantuk)

    આટલી પ્રસ્તાવના આગળની પોસ્ટ વાંચવાની ઈચ્છા જાગ્રત કરવા માટે પુરતી પ્રેરક છે.

    • Komal Patel

      આદરણીય શ્રી અતુલભાઈ,
      પ્રયત્ન કરીશ કે હવે પછીની પોસ્ટ જલ્દી જ મુકી શકુ.
      પ્રતિભાવ આપવા બદલ ધન્યવાદ

  • વિવેક ટેલર

    પુસ્તક વિશે તો ખબર નથી પણ પુસ્તકનો પરિચય ઘણો સરસ કરાવ્યો… ઝેન કથાઓ સાથેની સગાઈ રજનીશના કારણે થઈ. પ્રસ્તુત વાત પણ ગમી અને વાતની રસાળ શૈલી પણ સ્પર્શી ગઈ…

    • Komal Patel

      પ્રીય મિત્ર વિવેક,
      પુસ્તક વિશે હવે પછીની પોસ્ટમા માહીતી આપીશ.
      તારા દ્વારા બ્લોગની અને પોસ્ટની નોંધ લેવાઇ તે ગમ્યુ.
      આભાર

  • vijayshah

    કોમલ
    આપનો પ્રયત્ન સ્તુત્ય છે
    લખતા રહેશો…શૈલી સરળ અને રસાળ છે તેથી તે વાચકોને ગમશે તેમાં બે મત નથી.

  • ANAHAD JALDHII

    અનહદ સરસ,

    મનનો સંતાપ, કચવાટ, ભય દુર કરી ….
    મનને શાંતિ, શીતળતા, તાજગી બક્ષે ….
    એનું નામ ઝેન….

    ઝેન ફિલોસોફી ને તમે ખુબ જ રસપ્રદ, પ્રવાહીત લખાણ થી સમજાવી છે….
    જે ઝેન ફિલોસોફીને જાણવાની ઉત્સુકતા પ્રેરે છે….

    અજવાળું ને આગળ રેલાવતા રહેશો….

    એ જ…

    અનહદ

    • Komal Patel

      અનહદજી,
      બ્લોગ જગતમા આપનુ સ્વાગત છે.
      આમ જ “અજવાળું” પર પધારતા રહેજો,
      આભાર,

  • અશોકકુમાર -'દાદીમા ની પોટલી '

    શ્રી કોમલ પટેલ,

    તમારા બ્લોગની આજે સૌપ્રથમ મુલાકાત લીધી અને ઝેન ફિલોસોફી ને તમે સૌ કોઈ સમજી શકે તેવી સરળ શૈલીમાં સમજાવવા કોશીશ કરેલ છે જે વાંચી અને માણવાનો આનંદ થયો.

    ધન્યવાદ…

  • jjkishor

    ઝેન સંપ્રદાયની વાતો અલૌકિક હોય છે છતાં લેખમાં દર્શાવ્યા મુજબ તે પારદર્શી પણ છે. આટલી પ્રાસ્તાવિક વાત વિશેષ વાંચવા માટે તડપાવશે.

    આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: