Category Archives: પ્રસ્તાવના

અંતરના અજવાળા તરફ …

અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

શ્રી માધવ રામાનુજના લખેલ આ કાવ્યથી થી બ્લોગની શરૂઆત કરૂ છુ .

બ્લોગનુ નામ અને આ પ્રથમ પોસ્ટ કઇક અંશે મળતા આવે છે ખરૂ ને ???

તેનુ કારણ છે કે જે વિષય ઉપર આ બ્લોગ પર ચર્ચા કરવાની ઇચ્છા છે એ વિષય છે “અજવાળુ”

આપણે બધા જ એ ઇચ્છા ધરાવીએ છીએ કે જીવન એક ચમત્કાર બને. આપણે ચમત્કારો માટે પ્રાર્થના કરીએ છીએ, તેની વાતો સાંભળીએ છીએ અને ધારણા કરીએ છીએ કે વર્ષો પહેલા કોઇ ચમત્કાર થયો હશે અને ભવિષ્યમા ક્યારેક કોઇ એક દિવસે ચમત્કાર થશે. પરંતુ આપણે એ ભુલી જઇએ છીએ કે આ ચમત્કારીક શક્તિ એ બહારથી નથી મળતી તે આપણી અંદર જ છે. આપણી સાચી ઓળખ એ આપણી અંદર રહેલ પ્રકાશ છે. આપણુ બાહ્ય શરીર નહી. આ આંતર જ્યોત આપણને ઇશ્વરે પ્રદાન કરી છે. આપણે સ્વયમને એક પ્રકાશપુંજ તરીકે જોઇ શકીએ તો જ એ શક્તિને પિછાણી શકીએ.

તે માટે આપણે કેવળ આપણી આંખો બંધ કરી અને શાંતીથી બેસીશુ, અને આપણા માનસ પટ પર રહેલ અંધકારમય દ્રશ્યને નીહાળીશુ, આપણી અંદર રહેલ પ્રકાશપુંજને જોવા પ્રયત્ન કરીશુ. આપણા અર્ધજાગ્રુત મનને આદેશ કરીશુ કે આપણા માનસપટ પર જે અંધકારમય દ્રશ્ય છે ત્યા તે આ પ્રકાશપુંજના આપણને દર્શન કરાવે…… અને અચાનક જ સફેદ પ્રકાશની એક દીવાદાંડી આપણને દ્રષ્ટીગોચર થશે જે પરમ સત્યનો ભેદ ખોલીને આપણા મનને પ્રકાશથી ભરી દેશે.

શરૂઆતમા શક્ય છે કે આ સફેદ પ્રકાશનો સહેજ ચમકારો માત્ર જ દેખાય, પરંતુ જ્યારે એ દેખાવાની શરૂઆત થાય છે ત્યારે માની લેવુ કે આપણે આ માર્ગને જલ્દી જ સમજી લઇશુ. આપણી જે ઇચ્છાશક્તિ છે તે જ આ માર્ગમા આપણી દિવાદાંડી બનશે.

અજવાળું, આ બ્લોગ ઉપર ચર્ચા કરવી છે આપણી આંતર શક્તિની. બહારથી ઘેરી વળેલી ચિંતા, દ્વિધા અને પ્રશ્નોના સઘળા ઉકેલ આપણી અંદરથી જ મળી આવે છે. આપણુ આંતર મન આપણને તે ઉકેલ મેળવી આપે છે. આપણા દરેકની અંદર એ પ્રકાશ રહેલો છે બસ તેને શોધી કાઢીને તેને અનુસરવાની જરૂર છે.

આ બ્લોગ ઉપર આપણે એવા પુસ્તકો વિશે ચર્ચા કરીશુ જે આપણને આ પ્રકાશ તરફ દોરી જાય. જેની અંતર્ગત આપણે મનની શક્તિઓ, સકારાત્મક વલણ, ધ્યાન, આકર્ષણનો નિયમ, સર્જનાત્મકતા, આધ્યાત્મકિતા અને વિજ્ઞાન વગેરે વિષયોને આવરી લેવા પ્રયત્ન કરીશુ.